24 April 2019

મારાથી ક્યાં તારી રમતમાં પણ ક્યારે જિતાયું હતું મુકુલ દવે 'ચાતક ',

મારાથી  ક્યાં  તારી  રમતમાં  પણ  ક્યારે  જિતાયું હતું
તારીજ ભીતરનું લખાણ પણ આંખમાં ક્યાં વંચાયું હતું

આમ  આંધીનો ગુનો પણ  ક્યાં હતો દીવો બૂઝવવામાં
માત્ર   દીવાના   કોડિયામાં   તેલ   ઓછુ   પુરાયું   હતું

એ   પછી   સમજી  અમે  તો  ગયા   હતા  મૃગતૃષ્ણાને
તેથી   ઇબાદતની   દુવામાં  માથું   તો   ઉચકાયું   હતું

ખુદ   દરિયો  ફૂલાયો  હતો  આજે  સુકાનીને   ડૂબાડવા
એવે   સમે   ખુદાને   પડકારવાનું  રહસ્ય  કળાયું   હતું 

એક    સરનામા   સાથેનું   ઘર   છે   તારા   શહેરમાં  ને
એજ   રસ્તે   શ્વાસનું   સરનામું    મળતા   જીવાયું   હતું

બસ   તને   ભૂલાવવાના  એ  અથાગ  પ્રયત્નોમાં  પણ
યાદ  તને કરી  ભૂલાવવામાં  નામ  તો વધુ ઘૂંટાયું  હતું 

મુકુલ દવે 'ચાતક '

18 April 2019

બાંકડે બેસી સપનાં આપણે મઢ્યા એ યાદ તો હશે ,મુકુલ દવે 'ચાતક '

બાંકડે  બેસી  સપનાં  આપણે  મઢ્યા  એ  યાદ તો  હશે
ને   ત્યાં   છૂટા   પડી   આપણે  રડ્યાં  એ  યાદ તો  હશે

જિંદગીમાં    ધૃતરાષ્ટ્ર   જેમ   બાજી    તો    રમી   ગયા
સારથિ રથના કોઈ મને બસ ના જડ્યા એ યાદ તો હશે

એવો  સમય  આવ્યો  તું  રોઈ  ના શકે  કે  ના હસી શકે
બસ સમયની ભીડમાં તરબોળ મળ્યા  એ યાદ તો હશે

કેટલાં  તથ્યો  સુધી  પહોંચીશ  તું   ભીતર  જરા  ઉતર
જાળ  ફેલાવી  લોક  રસ્તે  તો  નડ્યા  એ  યાદ તો  હશે

દૂરથી  એણે   મને  મૃગજળ  બતાવ્યાં  ને   જોયા  ખરા
જાત  ચાતકની  તરસથી  તો  ડૂબ્યા  એ  યાદ  તો  હશે

મુકુલ દવે 'ચાતક '

9 April 2019

ઊંટ પર બેઠો તોય કૂતરું કરડી ગયું,મુકુલ દવે 'ચાતક'

ઊંટ     પર     બેઠો     તોય     કૂતરું     કરડી     ગયું
અકરમિયાના   પડિયામાં   કાણું    કોઈ  પાડી   ગયું

પ્યાસ   લાગી   જ્યાં  પરબને  શોધતાં  ભવ  લાગ્યો
તરસ્યો  પટકાયો  એ  ખબોચિયેં  જળ  છલકી   ગયું

ભેદ   ના   પામી   શક્યો   અંધાર   કે    અજવાસનો
એટલે   એના  કફને  આગિયા  જેવું  કૈં  ચમકી  ગયું

આમ એના હોવાપણા વિષે પણ શંકા ચારેકોર જાગી
હાથમાં  કરતાલ  છે  બસ  ટોળું  એને  ભીંજવી  ગયું

એ     કહે     છે    શ્રદ્ધા    ને   વિશ્વાસમાં   દમ    નથી
હર    પથ્થરો   મહીં    ઈશ્વરી   રૂપ     વિસ્તરી   ગયું
મુકુલ દવે 'ચાતક'

1 April 2019

સાવ ઘરડા વૃક્ષ પર ઉગેલી કૂંપળની હું સકળ રોકી દઉં ,મુકુલ દવે 'ચાતક'

સાવ  ઘરડા  વૃક્ષ  પર  ઉગેલી કૂંપળની  હું સકળ રોકી દઉં
તારું  અસ્તિત્વ  કેટલું  હું  વરસતા  વાદળનું જળ રોકી દઉં

ભીડભર્યા    આ    શહેરથી    દૂર    ગામે   જઇ  રહ્યો   છું  હું
હાથથી   ખાધેલ  માના   રોટલાની   આજ  પળ  રોકી  દઉં

બેઉના    સંબંધ    એવી    રીતથી    ખીલ્યા    વસંતમાં   કે
લાગણીના સંદર્ભમાં ખોલ્યા સતત પડ એનું તળ રોકી દઉં

તારા  ચહેરા  ઉપર  ડહાપણની  સમજણો   ઓગળી  જેવી
હોઠ   પર   આવેલ   હાસ્યની  લકીરોનું  સબળ   રોકી  દઉં

તું  અલગ મારાથી  થઇ  બીજું  તો બસ  તું  શું  કરી શકે જો
તું  ગંગાજળ  પીવડાવે  ને  હું  મોમાં  સાવ  જળ  રોકી  દઉં

મુકુલ દવે 'ચાતક'

28 March 2019

બારણાં ખુલ્લા છે પણ એ પ્રતીક્ષાને પોંખવી ક્યાં,મુકુલ દવે 'ચાતક',

બારણાં  ખુલ્લા  છે  પણ  એ  પ્રતીક્ષાને પોંખવી  ક્યાં
પ્રેમ   છે   પણ  તૂટતાં  એ   વિશ્વાસને  કણસવી  ક્યાં

આજ  પણ  એ  આંખમાં ઝળહળ મસ્તી છે જે તરી છે
જે   હતો  પહેલા   નશો   એ   પ્યાસને  હંફાવવી ક્યાં

તેં  પહેલા જે  આગ સળગાવી હતી ઠંડીતો  થઈ ગઈ
આંખમાં   જે    ચિનગારી   છે   એને   પેટાવવી   ક્યાં

આમ   સાથે   કૈં   વિતાયેલા   સમયને   રોકવો   કેમ
સળગતી આ આગ બુઝાવા વાદળી વરસાવવી ક્યાં

એ   ક્યારેક  તો  મહેફિલમાં  આવશે  એ  આશથી  હું
લઈ  ઉમ્મીદને જવું  પણ  એ  લાવે  છે  લાગણી ક્યાં

મુકુલ દવે 'ચાતક'