16 May 2015

હ્રદયના મુલકને સાફ સૂતરું રાખવા અશ્રુનું વહન કરું છું ,મુકુલ દવે "ચાતક"


હ્રદયના મુલકને સાફ સૂતરું રાખવા અશ્રુનું વહન કરું છું ,
ઘોળાયાં  અમૃત  રોમે  રોમમાં  મીરાને  સજીવન  કરું છું ,

એ  ભળી  ગયા  છે  વિસ્તરીને  ગંગાના  પાણીની    જેમ ,
ભાવ અભાવની લાગણીઓનું કાંઠા પર વિર્સજન  કરું  છું ,

પાંપણના   ખૂણે   દીવામાં   વાટ  મૂકાઈ   મીરાં   નાદની ,
મોરલીના    મીઠા       સૂરથી   રોજ   હું    ગુંજન  કરું   છું ,

સમય   જતાં  વચનો   છળ  થયા, બ્રહ્માંડ  બાનમાં  લીધું ,
નગરમાં  રમત ને  મમતના  જામેલા છળનું હવન કરું છું ,

ચૂકી   ના   જઉં   સ્વયં   ઈશ્વર  ને   પામવાનો    અવસર
હ્રદય મુલકનાં કમાડ ખોલી  માનવતાનું  જતન  કરું   છું ,

મુકુલ દવે "ચાતક"

9 May 2015

તમાચા મારી ગાલને લાલ રાખ્યા કરે છે ,મુકુલ દવે "ચાતક"


તમાચા      મારી     ગાલને    લાલ    રાખ્યા    કરે    છે ,
ઝાંઝવા      હરણને   તડકામાં      રમાડયા      કરે     છે ,

મયકદામાં       કે    મસ્જિદમાં     જવું      જરૂરી      હશે ?    
સાવ     ઘેલી   ઝૂરતી   લાગણીને   ભીંજાવ્યા   કરે    છે ,

ગજરાએ     જરૂર     મુજરાની    આંગળી    પકડી    હશે
લાગણીઓના     સરનામાં   આપી   સૂંઘાડયા    કરે   છે ,

સમંદર  તરવાની  લાયમાં ખાબોચિયામાં નાવ  ડૂબાડી ,
હાથના   હલ્લેસાં  બનાવી   કાદવને  ઉછાળ્યા   કરે   છે ,

ટોચ    પર   પંખીઓ   એટલે  જ   જઇને    બેસતાં   હશે
લાગણીની  ડાળખી  હલાવીને   પંખી  ઊડાડ્યા  કરે  છે

અંધારું    થયું   ત્યાં    સુધી   એને   ક્યાં   સાથ    આપ્યો ?
ખુદનો   પડછાયો  છે  જાણવા,  સૂરજ   ઉગાડ્યા  કરે  છે

સંજોગ    "ચાતક"    જન્મજાતથી   મરજાદી     નીકળ્યા ,
ચાંદ     હથેળીમાં     લીધો     છતાં    દઝાડ્યા    કરે    છે ,

મુકુલ દવે "ચાતક"



7 May 2015

મોભનો ઉંબરો ઓંળગ્યો ને પગલાં પોંખતા રહ્યા ,મુકુલ દવે "ચાતક"


મોભ ને  ઉંબરો  ઓળંગ્યો   ને   પગલાં  પોંખતા  રહ્યા ,
વ્યથાથી   અમે   બીડ્યાં    દ્વાર,   સતત   ઝૂરતા   રહ્યા ,

ફળિયામાં  અજંપાના વૃક્ષ પર  'કુહુ  કુહુ'  કોયલ  ટહુકે ,
ઘનઘોર   વાદળમાં   તારું    સરનામું   શોધતા    રહ્યા ,

કાળના    નિસાસાના    દરિયામાં   ડૂબકીઓ   મારીને  ,
ઝંખનામાં    તારા     નામનું    મોતી    ગોતતા   રહ્યા ,

સપનાંની  શૂન્યતામાં તારો  પગરવ  શેરીમાં પડઘાય ,
કાન    અકબંધ   ધરી   ઊંચે    શ્વાસે    તરફડતા   રહ્યા ,

સમજણના છળમાં સાત જન્મોનો કેવો મળ્યો  હિસાબ ,
અટકળમાં   ખોળો    પાથરી    જન્મારો   ખૂંદતા   રહ્યા ,

ખાલીપો  દરિયામાં  ડૂબ્યો  નહીં, પહોંચ્યો  નહીં કિનારે ,
ઘટનાના   પગેરું   બુદ  બુદ  થઈ   સળવળતા     રહ્યા

મુકુલ દવે "ચાતક"