25 November 2016

તારા બરફ જેવા સંબંધો ને પ્રખર તડકાથી કોળવા તો દે ,મુકુલ 'ચાતક '

તારા  બરફ  જેવા  સંબંધો  ને    ઉગ્ર  તડકાથી   કોળવા  તો   દે ,
તારા   જ   ઠંડાગાર  ગાત્રો    ઉષ્મીય   શ્વાસોથી  ચોળવા તો   દે ,

તારું જીવન તો આમ તળાવના શાંત જળ મહીં હોવું રહસ્યો સર્જે ,
એમાં   પથ્થર   ફેંકતા   પેદા   થતાં   વલયો   ઢંઢોળવા   તો   દે,

પાણી    વધું    સિંચીશ  તો    ખુલ્લા   ઉઝરડા  સડી   જશે   તીવ્ર
તારાજ   ઘાના   બીજના  કૂંપળ   ક્યાં   ફૂટ્યા  છે  ખોળવા  તો દે,

અહીં રાખને  જો ફૂંકવા જાઓ જીવતા મડદાં ઊભા થતા  હોય તો ,
દીવાનગીની     આગ    તારાજ    લોહીમાં    તું   ઘોળવા  તો   દે,

વરસે  તું  જ્યાં  ઉન્માદમાં વરસાદ થઈ પ્રથમ  તું  બાથમાં  લેજે ,
ને  આભમાં તાક્યા  ન  કર  'ચાતક' તરસ થઇ એને રોળવા તો દે

મુકુલ 'ચાતક '

21 November 2016

સ્મરણનું કોડિયું ખૂણે મૂકી ગયો ઉજાસ એ ભુલાતો નથી ,મુકુલ દવે 'ચાતક'

સ્મરણનું   કોડિયું   ખૂણે   મૂકી  ગયો  ઉજાસ  એ  ભુલાતો નથી
ને  ફૂંક  મારુ  છું  હવામાં  ધારણાનો દીવો  તો ઓલવાતો નથી ,

રાત્રી  થતાં  મારાજ  સાથી  કઇ  પગદંડી  ભણી  નીકળી  ગયાં ,
નાહક  સગડ ધરબાઈ  ગ્યાં ને માર્ગ નો ભેદ તો પરખાતો નથી ,

ચાલે છે થનગનતાં શ્વાસો ત્યાં સુધી ના એજ છળતાં માર્ગે છું ને ,
એનો  મને  તારા  વગર  કોઈ અહીંયા પર્યાય તો  દેખાતો નથી ,

સૂરજ  ઉગ્યો  ને  ઝંખનામાં  વૃક્ષની  ડાળીથી પંખી  ઊડી  ગયાં ,
ચૂલો   જલાવવા   ડાળના   ઠૂંઠા   વગર   રોટલો  શેકાતો  નથી ,

ભીતર   પ્રગટાવી  ને   એ  પછી   અજવાળવાની  તો   વાત  છે ,
'ચાતક' અનંત  અઘરી સફરમાં કોઈ રસ્તો ભીડમાં મળતો નથી ,

મુકુલ દવે 'ચાતક'

18 November 2016

ઝાકળ કચડવાનાય મનસૂબા કરીશ નહીં એ ફૂલનો શ્વાસ છે ,મુકુલ દવે 'ચાતક'

ઝાકળ કચડવાનાય મનસૂબા કરીશ નહીં એ ફૂલનો શ્વાસ છે ,
ભીનાં જ સગપણમાં ફૂલ સાથે  ખરી જાય એ તો સહવાસ છે ,

તારા જ ગજરાની  ગુલાબ મહીં  ખુશ્બૂ મ્હેં કી ને ગઈ  ઓરડે ,
ને રોજ એની યાદ આપે  છે  સમીર ખુશ્બૂ મહીં તો નિવાસ છે ,

ગુલાબ   જેવી  પાંપણો  છે  ભરવસંતે   ઘેરાયેલી   તરબતર ,
આંખો  ઊઘડતાં ની  જ ક્ષણમાં  ડૂબ્યાં  ઓસે એ તો પ્યાસ છે ,

સ્મરણ   વડે   તારા   સુગંધી   શ્વાસ  કૈ   ઊંડા  ઘૂંટી  ને  ભર્યા ,
તારા  વિરહનું  દર્દ  જીરવવાનો  કર્યો   છેલ્લો  આ પ્રયાસ  છે ,

ને   વરસતાં  વાદળ તો  ભીંજવી  શ્રાવણ વિખરાઈ  ને  ગયા ,
જે  પ્યાસ  'ચાતક' ની ય છે એ છીપતી નથી તારો આભાસ છે ,

મુકુલ દવે 'ચાતક'

11 November 2016

કૈ તરસ ને માપવા શ્રાવણ બન્યાં એ ભૂલ્યો નથી ,મુકુલ દવે 'ચાતક'

કૈ તરસ ને  માપવા શ્રાવણ બન્યાં એ ભૂલ્યો નથી ,
ને પલકથી વિસ્તરી સપના મઢ્યા એ ભૂલ્યો નથી ,

કંકુથી  પોંખ્યાં પછી પણ પાંપણો ભીંજાઈ એમની ,
સાત પગલાંની રિયાસતમાં રડ્યાં એ ભૂલ્યો નથી ,

હું   સવારે   માંડ   સાંકળની   કડી   ઉઘાડું  દ્વારની ,
આંગણામાં  સ્વપ્નોના  પગ જડ્યાં એ ભૂલ્યો નથી ,

રાતવેળા  ચાંદની  નો  મર્મ  સમજાયો  નહીં   કદી ,
એક ડમરીનો વિસ્તરી સૂરજ ઢળ્યા એ ભૂલ્યો નથી ,

ને  સુક્કા  એ શ્રાવણે ક્યાં લગ પ્રતીક્ષા એક બુંદની ,
એ  તરસના  લાખ  જાકરા મળ્યા  એ  ભૂલ્યો નથી ,
મુકુલ દવે 'ચાતક'

7 November 2016

શિશુના જન્મ સમયની વેદનાથી " માં 'ની આંખો ભીંજાય છે ,મુકુલ દવે 'ચાતક '

શિશુના જન્મ સમયની વેદનાથી " માં 'ની આંખો ભીંજાય  છે ,
વેદના  ના  કેટલાંય   છેદથી   સર્જન   ગઝલનું    સર્જાય   છે ,

ઝાડ   ઉપર   ઈંડુ   પંખીનું   ફૂટે   ને  પાંગરે  ક્ષણની  અટકળે ,
શ્વાસ ને ધબકાર મળવાથી ખૂલે આંખો પછી વિસ્મય થાય  છે ,

થઇ   સદ્ધર  હાથમાં  દીવાસળી   લઈ  ઝૂપડાં  સામે  જાય   છે ,
ભૂખ   પેટની   ભડભડી   ઊઠે  પહેલાં   આગ  જેવું   દેખાય  છે ,

સૂર્ય  ઊગ્યો  ને તરસની  શોધમાં  રણની  દિશા  સામે   દોડ્યો ,
સૂર્ય આથમતાં જ રણમાં પહોંચતાં ત્યાં જળનું છળ થી જાય છે ,

માણસો    ટોળે    વળી    સંબંધ    ટોળાને   કહે    છે   જ્યારથી ,
કોઈનું   કોઈ  નથી  સાથે  છતાં  ટોળા  વગર  ક્યાં  જીવાય  છે ,

વ્યાપ્યુ   છે   ઝેર   કારમું  આ  સંતાપવાળા  શહેરમાં ને  છેવટે ,
જ્યાં હિંસાથી દિન ભસ્મ થાય ને અહિંસાની કથાઓ કહેવાય છે,

હોય     સ્વપ્ન    જેવું     શું    આ    સળગતાં    અજવાળે     કહે ,
સૂર્ય      વિના      આભમાં   કાળાં  જ     વાદળ      બંધાય     છે
 મુકુલ દવે 'ચાતક '


2 November 2016

યાદની સંવેદના ના દસ્તાવેજ ફાડ્યાં ન કર,મુકુલ દવે 'ચાતક'

યાદની    સંવેદના   ના    દસ્તાવેજ    ફાડ્યાં    ન   કર,
લાગણીના   પત્તાં   ને   ત્રાજવે ,   તું    તોળ્યાં   ન   કર ,

એ  સજળ  આંખો  લૂછે  ને   યાદના  તો  ઉછળે  દરિયા ,
પાંપણે   શઢ  બાંધ   યાદોના , તું  કાંઠા  તોડ્યાં  ન  કર ,

શ્વાસના   પોલાણમાં   ધગતાં   ધખારા   ના  લીરા  ઊડે ,
કોડિયાની   જ્યોત   ને   ભીતર   ફૂંકીને  ચેતવ્યાં ન  કર ,

કૈ    ભિખારી    જેમ   ઈચ્છા   પાંગરે   ને    ઝંખના    ફૂંટે ,
ખુદને   વટલાઈ   સપના  ને   તું   ભીંતે   ટાંગ્યાં  ન  કર ,

ને ચંચળ જળની રમત છે પણ અઘરી 'ચાતક'તળે બધી ,
આભમાંથી   હોય   વાદળ   વરસતાં,   છંછેડ્યાં   ન   કર,

મુકુલ દવે 'ચાતક'