31 July 2018

મારા રુદનમાં હું નથી ને હાસ્યમાં તારા તું નથી ,મુકુલ દવે 'ચાતક'

મારા રુદનમાં હું નથી ને હાસ્યમાં તારા  તું   નથી
આપણા  જીવનમાં  બસ આ ભેદ સિવાય શું નથી
પ્રેમના  પાઠોના   જવાબો   શીખ  તું  પરવાનાથી
અંતે મહોબતમાં ઉદય ને અસ્ત સિવાય કશું નથી
મુકુલ દવે 'ચાતક'

27 July 2018

પુષ્પોના છાંયડે કંટકો ડસ્યાં ને ભેદ ખુલ્લા થયા ,મુકુલ દવે 'ચાતક'

પુષ્પોના   છાંયડે   કંટકો   ડસ્યાં   ને   ભેદ ખુલ્લા  થયા
કૈંક  શ્વાસો  શૂળને  શ્વસ્યાં  સુવાસના  પણ કાફલા  થયા
પુષ્પો   ને   કંટકોના  બાગમાં  એ   વ્યવહાર   સમજતાં
બાગના આ વર્તાવ સમ રહી ઘરે ઈશ્વરના પગલાં થયા
મુકુલ દવે 'ચાતક'

20 July 2018

લાગણી તું ખુલ્લું હૃદય મૂકીને વરસ ,મુકુલ દવે 'ચાતક'

લાગણી   તું   ખુલ્લું   હૃદય  મૂકીને   વરસ
આંખમાં  બેઉ  કાંઠે  જોવાની મને  છે તરસ

કૈંક  હારીને  જીત્યાં  છે  બસ  નિરંતર બાજી
એટલે   આવે  તું  મારી  સામે  વરસોવરસ

બંધ  છું  માચીસમાં  હું  તેજ  સળીઓ જેવો
ને સતત છલકાય છે ભીના હૃદયનો કળશ

પાંખનો  ફફડાટ  છે   ને  ખુલ્લું  આકાશ  છે
ઊડવાની  છે  મઝા ક્યાં,બસ સજાવ્યું કફ્સ

આમ  મનના  બારણે   ખખડાટને  સાંભળી
બારણાંની  સાંકળ  ખોલું,  કેટલું  છે  તમસ
મુકુલ દવે 'ચાતક'

18 July 2018

બસ ભૂલવાની ટેવ છે તેથી તને ચાહું છું ,મુકુલ દવે 'ચાતક'

બસ   ભૂલવાની   ટેવ    છે    તેથી    તને    ચાહું    છું
આ  વાર્તાનો  હાર્દ   છે   તેથી   હું   તારામાં   આવું  છું
ઉંચકાયું  નહીં  ડહાપણ તેથી જીવન તો બેફિકરીમાં  છે
દીવાનગીમાં સમજદારી ક્યાં,આમ તારામાં ખોવાવું છું
મુકુલ દવે 'ચાતક'

12 July 2018

હું ફૂંકીને થાક્યો તોય વાંસળીના સૂરમાં પણ કેમ ભટકાવ છે મુકુલ દવે 'ચાતક ',

હું  ફૂંકીને  થાક્યો  તોય  વાંસળીના  સૂરમાં  પણ   કેમ   ભટકાવ  છે
આમતો ચોક્ક્સ મારી વાંસળીના  સૂરમાં રાધાનો જ  આ અભાવ છે
છેદ   સોંસરવા   પડે   છે  વાંસળીમાં,   રહસ્યો    કૃષ્ણના   સમજવા
ફૂંકું છું જે વાંસળીમાં સૂર એ શ્વાસો પાછા આવે એ તારો જ લગાવ છે
મુકુલ દવે 'ચાતક '

11 July 2018

ખુદ મને ક્યાં મળી શકો છો બસ અકારણથી બહાર આવો ,મુકુલ દવે 'ચાતક'

ખુદ મને ક્યાં મળી શકો છો  બસ અકારણથી બહાર આવો
આજ શ્રાવણના ઝીણાં ઝરમરના વળગણથી બહાર આવો
ચોતરફ    ધોધમાર    બારેમેઘ    અનરાધાર    હું     વરસું
હોય  મળવાની  તરસ  તો  ઝાંઝવા  રણથી  બહાર  આવો

મુકુલ દવે 'ચાતક'

8 July 2018

પુષ્પોમાં મ્હેક હોય નહીં આટલી, ફળિયાને અજવાળી રહ્યો છું ,મુકુલ દવે 'ચાતક '

પુષ્પોમાં  આટલી તો મ્હેક હોય નહીં ,ફળિયાને અજવાળી રહ્યો છું
કોઈએ  પગલાં  જરૂર  પાડયા  હશે   બસ  ખુશ્બુ   ખોળી  રહ્યો  છું
જો નજર તારી મળે તો મારી વિવશતાની હું વાત તારી સાથે કરું
શ્વાસથી  તારા ખીલેલી કૂંપળ ને   હું   સ્મરણમાં પંપાળી  રહ્યો  છું

મુકુલ દવે 'ચાતક '