29 July 2014

આમ જોઈએ તો રહસ્ય જિંદગીનું ચપટી રાખ છે ,ચાતક

આમ   જોઈએ  તો   રહસ્ય    જિંદગીનું   ચપટી  રાખ  છે ,
એટલે   મઝા   છે   ને    અંતે   જીવનનો    એ    રાગ    છે ,

તારી   સભામાં   ચાહક  હ્તા  ને  હું  મર્મ  સમયનો   હતો ,
એક આંગળી  ચીંધી , બધી એ તરફ જતી  તેથી  નામ  છે ,

ને  લાવ  તારો  હાથ  આપ , પકડાશે  ત્યાં  સુધી  પકડીશ ,
બસ,   તું    વહેજે  નસેનસમાં  તારી  હયાતીમાં  હામ    છે ,

તારા    હૂંફાળા   સાથથી   કૂંપળ    નવી     ફૂટશે    ડાળને ,
મૂકી   ખભે  તારું  રડવું, હસવું, અંતે  લાગણીની  લાશ  છે ,

જે   વાત   કરી  તમે  આભ   સામે  જોઈને   મારા  કાનમાં ,
ગગનમાં  ક્ષિતિજ બતાવી દૂરથી ત્યારથી તને સલામ  છે ,

"ચાતક" માણસ  જાત  જૂનાં  ગંજીફાનાં  પાનાં  ચીપે   છે ,
આ   પ્રેમ,  કરુણા,   મોહ,    ને    અંહકારનો    અંજામ    છે

મુકુલ દવે "ચાતક"

26 July 2014

હ્રદયના દર્દ કાયમ જિંદગીમાં વહેતા અર્શ્રુંથી ધોવાતા નથી ,ચાતક


હ્રદયનાં  દર્દ કાયમ  જિંદગીમાં  વહેતાં અશ્રુ થી  ધોવાતાં નથી ,
માર્ગ    પુણ્યપાપના   કેવા ,   કર્મોનાં   નિશાન    ભૂંસાતાં  નથી ,

પ્રભાતે   સૂરજ   અહીં   એનો  એજ   નિશદિન  ઊગતો હોય   છે
ડાળખીથી  પહેલા કિરણે ઊડતાં પંખી  નિજ ડાળે ટહુકાતા નથી ,

ને    શોધતા   રહ્યા   અમે     એને   જિંદગીના   અર્થને   શોધવા ,
રહસ્યો સર્વે  વ્યાપક  છે,  જે  કોઈ   જગ્યાએ  ખુદ દેખાતાં  નથી ,

મૌન  કોણ  જાણે  એમની  નૈન-પાંપણે  બેસી સતત  વાચા બને
હ્રદયમાં ભાર છે એમની મહોબ્બતનો તેથી  હોઠ મલકાતા નથી ,

"ચાતક" સદાય આ કોરા કાગળ પર જિંદગીથી શું લખાઈ ગયું ?,
એણે   કરેલા  આંગણાના   ઉંબરે  પણ  દીવા  ઓલવાતા  નથી ,

મુકુલ દવે "ચાતક"


18 July 2014

બ્રેડબટરના નાસ્તાથી લોકોની અહીં સવાર પડે છે ,ચાતક


બ્રેડબટરના   નાસ્તાથી    લોકોની  અહીં  સવાર  પડે  છે ,
બખડજંતરના  અહીં  નિશ દિન ઘરમાં અખબાર પડે  છે ,

લૂંટફાટ    બાળત્કારની   બૂમ   ને    દુનિયાનો    અંજપો ,
ઊઠતાની   સાથ     હથોડાના    અહીં    પ્રહાર   પડે      છે ,

માનવના  ડગલે  ને  પગલે પ્રાણ  સસ્તા  થઇ  ગયા  છે ,
અકસ્માતોથી    રસ્તા    પર   ચીસના   પોકાર   પડે   છે ,

જોઈ  અવાચક થઈ જાઓ આઠે પ્રહર  બેશુમાર તમાશા ,
ભ્રષ્ટતંત્રમાં    બહુમાળી   મકાનોના    ભંગાર   પડે    છે ,

મંદિર,  ચર્ચ   ને  ગુરુદ્વાર,  મસ્જિદના  વાડાઓના નામે,
લાશના   ઢગલાના   પણ   ધરતીપટ પર  ભાર પડે  છે ,

દોસ્ત, દુશ્મન  ને  દુશ્મન, દોસ્ત  ક્યારેક થઈ  જાય   છે  ,
ટોળાના      પથ્થરોનો    મરણતોલ    માર    પડે      છે ,

વામણી   થઈ  ગઈ   દુનિયા   કોઈ   પણ  ,ઉપાય  વિના
શયતાની   હોડને  કારણ   છળ  પ્રપંચો   પાર   પડે   છે ,

મુકુલ દવે "ચાતક"

8 July 2014

લાવ લાગણીને હથેળીમાં લઈ શણગારી જોઈએ ,ચાતક


લાવ  લાગણીને   હથેળીમાં  લઈ    શણગારી  જોઈએ ,
સ્વપ્ન    સાકાર     કરવા    હ્રદયને   પંપાળી   જોઈએ ,

મુક્દરના  હિસાબમાં  પ્રેમનું કોઈ  નામ  ના આપીશ તું ,
ભૂલવા    મુજને     હાથની    રેખા     ભૂંસાવી    જોઈએ ,

નસેનસમાં    જાણે   કોઈ  પડઘાયા   કરે    છે   યુગોથી ,
મૌનના    દર્દને   ખુદ   દૂર   કરવા   રણકારી    જોઈએ ,

હોય  લોકો, ને  હું  અનાયાસ એકલતામાં ખોવાઈ  જાઉં ,
આખરે  અસ્તિત્વ  હોય  શૂન્ય, જાત ઓગાળી   જોઈએ ,

જોવા ખુદને જીવનમાં નિજ આયના પર વિશ્વાસ મૂક્યો ,
"ચાતક" એક શક્યતા  હજી  છે,તેને હચમચાવી જોઈએ

મુકુલ દવે "ચાતક"
   

1 July 2014

બાળપણના ભાઈબ્હેન સાથેનું ભોળપણ માંગું ,ચાતક


બાળપણનાં   ભાઈબ્હેન    સાથેનું     ભોળપણ  માંગું
એક રક્તના      આધાર    સાથેનું     સગપણ   માંગું ,

ખુલ્યાં    દ્વાર   ને  ઊડ્યાં     પોતપોતાના   પિંજરમાં ,  
પિંજરની કેદ તોડી નીલાકાશે ઊડવા બાળપણ માંગું ,

હિસ્સામાં વહેંચાઇ   ગયાના પથારીમાં તીર  ભોંકાય ,
પારણાંના  હાલરડાં ને   બાના  ખોળાની  ક્ષણ  માંગું ,

પાંખો  આવી   સૌ   ઊડ્યાં, અહંમના  આકાશ   જુદાં ,
એ   નિર્દોષ   ધિંગાણું    ને  ડૂસકાંનું  સંભારણ  માંગું ,

ભીંતના       ફોટાની    કોરી   આંખો    ભીંજવ્યા  કરે ,
પરી  વાર્તા , સંતાકૂકડી, બાની  સુખડી   પણ  માંગું ,

તોળાય  સંબંધો   ને   પ્રેમ  આપ   લેના  ત્રાજવાથી,
કાકામામાના  ઘર    સંગ   વેકેશનનું   સ્મરણ  માંગું ,

ઘર, ગલી, આંગણ  ને ગામ સ્મરણનો અંજામ જુઓ ,
ભાઈબ્હેન  સ્કૂલમાં ગયાં, શું ભણ્યાનું  ડહાપણ માંગું ,

કલબલ  આંગણ  ને   કલરવોના  ટહુકા   ક્યાં  ગયાં ,?
"ચાતક" શૈશવનું , ભોળપણ  ગયું  તેનું  કારણ માંગું

મુકુલ દવે "ચાતક"