23 August 2014

તેં કરેલા લલાટે લાલ ચાંદલાની સોગાત કહેવાશે ,ચાતક


તેં   કરેલા  લલાટે   લાલ  ચાંદલાની  સોગાત   કહેવાશે ,
ઢળતી     સંધ્યાકાળે  એ  ખરતા  કંકુની   જાત   કહેવાશે ,

હ્રદયના  તારને  ઝણકારતાં શબ્દોનો અર્થ નીકળ્યો નહીં ,
ભીતરના    ભેદ    નીકળતાં    અંતે   અશ્રુપાત    કહેવાશે ,

ઝરણાં  ને  નદી  રમત રમતાં ખળખળ રવે  ધસતાં હોય , 
સાગરના    મિલનથી    ઠહરાવની    કબૂલાત    કહેવાશે ,
   
લાગણી   નિચોવી   દિલબર   તેં  પ્રેમપત્રો  લખ્યા  હોય ,
ભાગ્યના   લેખ   કેવા  અંતે   અક્ષરની  ખેરાત   કહેવાશે ,

ઉઘાડી  આંખ થી    સુખચેનનાં  સઘળાં   સ્વપ્ન     જોતાં 
ઝબકીને એ  જાગશે  ત્યારે મૃગજળની  બારાત  કહેવાશે ,

જીવતરમાં  પડેલા   જખ્મોને  ખણવાનું   રહેવા  દે  મિત્ર ,
અંતે  વિપદા , દુઆ  કે   બદદુઆનો  વલોપાત  કહેવાશે ,

ભલે સૂતો "ચાતક" ઉજ્જડ એકાંત કબરમાં સમય લઈને,
અંજલિ અપાશે  અંતે દીવાલના પથ્થરની ઘાત કહેવાશે ,

મુકુલ દવે "ચાતક"

14 August 2014

મણકાને નિરંતર પરોવી માળામાં એનામાં ઘૂંટાઈ ગયો ,ચાતક


મણકાને    નિરંતર  પરોવી    શ્વસનમાળામાં   ઘૂંટાઈ     ગયો ,
તરબતર દુઆના  ભારથી  અવિરત  એનામાં  પથરાઈ  ગયો ,

જાહેરમાં   સજદા  ચરણોમાં   જ   કરી   એનું   સ્થાનક   પૂછ્યું ,
રહે છે  ક્યાં એ જાણી  આત્મસાતની ભીનાશથી છલકાઈ  ગયો ,

પ્રશ્નોના  ઉત્તર આપવાના જગતને  એમ કંઈ સહેલા  ન   હતા ,
એના વજુદની અટકળ  થાય તેથી એ પથ્થરમાં સમાઈ  ગયો ,

પરખાય  નહીં  ભેદભરમ  ને  હોવાપણાના  પ્રશ્નો   પૂછ્યા  કરે ,
પંથની   કેડી   શોધતા  ને  રઝળતા  વણઝારો અટવાઈ ગયો ,

ચૂંટવા  ગયો  પુષ્પો   ઈશ્વરના  શીશ  ઉપર  શ્રધ્ધાથી  ચઢાવા ,
કાંટાએ   એવો   ડંખ  માર્યો  કે  સંદંતર   એ જ   વીંધાઈ   ગયો ,

"ચાતક"  દર્શનની અભિલાષા  ને  આંતરિક  ઈચ્છા  મિલનની ,
એમના  જઈને  દ્વાર ખખડાવે,  ત્યાં આખો યુગ બદલાઈ  ગયો ,

7 August 2014

હ્રદયના ભીતર પિંજરને ધીરેથી સ્પર્શજે તે પથ્થર નથી ,ચાતક


હ્રદયના પિંજરની  ભીતર  ધીરેથી  સ્પર્શજે,  તે  પથ્થર  નથી ,
પવનમાં   પુષ્પોની   ખુશ્બૂના   હાર્દને    સૂંઘજે   અત્તર   નથી ,

જોયા  નહીં  એમણે  જખ્મો,  મેં  વેદનાની  વ્યથા    સંભળાવી ,
આંખોમાં એમની  મસ્તીનો  કેફ  છે, જઝબાતની  અસર  નથી ,

પાનખર   ને    વસંતની    હવા  અહીંયા   બન્ને   છે   જીવનમાં ,
કોઈએ   તેથી   કહ્યું     છે    કે    જિન્દગી   અહીં   બંજર    નથી,

તટપર  ઊભા   રહી  સાગરમાં જાળ ફેંક્યે  મોતી કદી  ના  મળે ,
ડૂબ્યા  વગર   મોતી   મળી   જાય  એવો  કોઈ   સમંદર   નથી ,

તારા નગરના મેળામાં એકલો પડતાં કોલાહલ  વીંટળાઈ જાય ,
ફૂરસદથી   સુઈ   જવાય   એવી   અહીંયા   કોઈ    કબર   નથી ,

મીરાં    ને     શંકરે   જે    વિષ   પીધું   તે     કાતિલ    ન    હતું ,
અવિરત  જીવનમાં ઝેર પીવાય એના  જેવું  બીજુ  ઝહર  નથી ,

ને   તરસ્યા   "ચાતક"ની    હોય   છે    તરસ  બે  ચાર   બુંદની ,
સહરાના રણમાં વરસાદ  વરસી  જાય  એવું  તો  મુકદર  નથી ,

મુકુલ દવે "ચાતક"