તેં કરેલા લલાટે લાલ ચાંદલાની સોગાત કહેવાશે ,ચાતક


તેં   કરેલા  લલાટે   લાલ  ચાંદલાની  સોગાત   કહેવાશે ,
ઢળતી     સંધ્યાકાળે  એ  ખરતા  કંકુની   જાત   કહેવાશે ,

હ્રદયના  તારને  ઝણકારતાં શબ્દોનો અર્થ નીકળ્યો નહીં ,
ભીતરના    ભેદ    નીકળતાં    અંતે   અશ્રુપાત    કહેવાશે ,

ઝરણાં  ને  નદી  રમત રમતાં ખળખળ રવે  ધસતાં હોય , 
સાગરના    મિલનથી    ઠહરાવની    કબૂલાત    કહેવાશે ,
   
લાગણી   નિચોવી   દિલબર   તેં  પ્રેમપત્રો  લખ્યા  હોય ,
ભાગ્યના   લેખ   કેવા  અંતે   અક્ષરની  ખેરાત   કહેવાશે ,

ઉઘાડી  આંખ થી    સુખચેનનાં  સઘળાં   સ્વપ્ન     જોતાં 
ઝબકીને એ  જાગશે  ત્યારે મૃગજળની  બારાત  કહેવાશે ,

જીવતરમાં  પડેલા   જખ્મોને  ખણવાનું   રહેવા  દે  મિત્ર ,
અંતે  વિપદા , દુઆ  કે   બદદુઆનો  વલોપાત  કહેવાશે ,

ભલે સૂતો "ચાતક" ઉજ્જડ એકાંત કબરમાં સમય લઈને,
અંજલિ અપાશે  અંતે દીવાલના પથ્થરની ઘાત કહેવાશે ,

મુકુલ દવે "ચાતક"

Post a comment

0 Comments