25 March 2015

હોઠની તરસે માછલી બની જળમાં તરવર્યા કરે મુકુલ દવે "ચાતક" ,


હોઠની  તરસ  માછલી  બની   જળમાં  તરવર્યા   કરે ,
મારે  સમંદરના ઉછાળા  કાચ    ઘરમાં  વિસ્તર્યા  કરે ,

ભલે   ને   ઊતર્યો   હજાર  પગથિયાં   તરસ   ભાંગવા,
ઉછેરીને  પાળી  પંપાળી  હતી તે આજે   તરફડ્યા  કરે ,

ઇચ્છાઓ બધીએ  મબલખ ભીની છમ્મ ને ઘેઘૂર લાગે ,
છતાંયે  અંદરથી  અજવાળાના  અભાવો  સંચર્યા  કરે ,

દોસ્તો   શ્વાસ   ઊછીના   લો  તો  જીવન  તમાશો  બને ,
સપનાં, સંબંધ ને  મિલનની  લાગણી ભડકે બળ્યા  કરે ,

ઘડિયાળના પિંજરમાં જે  વિહંગોએ માળો બાંધ્યો હતો ,
"ચાતક"  થઈને   સૌ   આઝાદ    આઈનો   ધર્યા    કરે ,

મુકુલ દવે "ચાતક"

15 March 2015

એ છુપાવે ઘરોબો છતાં મૌનના જઝબાત લઇ નીકળ્યા મુકુલ દવે "ચાતક"


એ     છુપાવે,   ઘરોબો   છતાં   મૌનના   જઝબાત    લઇ     નીકળ્યાં
દીવાનગી   હોય   છતાં   ખંજનમાં  કાતિલ  સવાલાત  લઇ  નીકળ્યાં   ,

એમને    મળતાં    કાજલભર્યા    અશ્રુ     ચન્દ્રના   મુખ  પર   વરસ્યાં
જાણે   વાદળભર્યા  ધૂંધળા  ચાંદમાં  દર્દના  વજ્રઘાત  લઇ   નીકળ્યાં

દેખાઈ   ના    જાય  એમના   સગડ,   દીવાનગીની  નજરો    બચાવે ,
ઢળેલી   નજર  હોય  છતાં  તરબતર  પ્રેમની રજૂઆત લઇ  નીકળ્યાં

પ્રેમપત્ર    એમને    વર્ષો    પહેલાં  આપ્યો    હતો    ભાગ્યના    હાથે
ડાયરીમાંથી   અકબંધ   મળતાં  સ્મરણની  કબૂલાત  લઇ   નીકળ્યાં,

શાહજાદી    મળી   હતી   પ્રેમને   નામે   પ્રતીક્ષાનું   આભરણ   પહેરી ,
"ચાતક"તરસ પી ગયો અવેજમાં તેથી કેફના વલોપાત લઇ નીકળ્યાં,

મુકુલ દવે "ચાતક"

7 March 2015

શતરંજના દાવ ને ચાલના મ્હોરા પ્હેરી જીવન ને આ રીતે જાગવું પડતું હશે ,"ચાતક" મુકુલ દવે


શતરંજના દાવ ને ચાલના મ્હોરાં  પ્હેરી જીવનને  આ રીતે જાગવું પડતું  હશે ,
આખી બાજી જીતવાની માવજતમાં  જીવનને આ રીતે શણગારવું  પડતું  હશે ,

એમનું  મળવું   ને  છૂટા  પડવું  એવા  જીવનના  ઉઝરડાને  શું  કહેવાતું   હશે ?,
દિનરાત  આને   જ   કહેતા  હશે  જીવનને  આ  રીતે  અજવાળવું   પડતું  હશે ,

ખોવાયું  શું  હતું  જીવનની ભરચક ભીડમાં  એ  ખબર  નહીં  હોવા  છતાં  પણ ,
એના  દ્વાર   સતત  ખખડાવ્યા   કરી   જીવનને  આ   રીતે  હાંફવું  પડતું   હશે,

રાહ્ગીરે   નડતા  પથ્થરને  માર્ગના    તળિયેથી  ઉઠાવી   દૂર    કર્યો    કિન્તુ ,
પથ્થર  ઈશ્વર  થઈ  બેઠો,  ઈશ્વરના  જીવનને આ  રીતે  પુજાવવું   પડતું  હશે ,

કૈક  અવઢવ  પ્રશ્નોના  જવાબો નહીં  મળતાં  આ ઘાટે અહી ઉપાડી લાવ્યા હશે ,
"ચાતક" સ્વર્ગ નરકની લાલસામાં કબરમાં જીવનને આ રીતે ઢાળવું પડતું હશે,

"ચાતક" મુકુલ દવે