29 July 2015

મોકલજે કોરોકટ્ટ કાગળ પ્રેમનો અવસર નહીં લખું મુકુલ દવે "ચાતક"


મોકલજે   કોરોકટ્ટ   કાગળ,   પ્રેમનો   અવસર   નહીં   લખું
સ્નેહના    સહવાસના    ઉન્માદની    ઝરમર    નહીં     લખું ,

છે     સૂર    અલૌકિક     ઘેરો     રંગ     ચડે   પ્રીતિનો   સદા ,
પ્રીતઘેલી રાસલીલા  રમશું રાગનો કીમિયાગર  નહીં  લખું ,

શ્વાસમાં     કોણ     પાંગરે     સદાય    આંખમાં      પડઘાય ?,
હથેળીમાં   ઉભરતા  પ્રેમના   સૂરજનું   મુકદ્દર    નહીં   લખું ,

પ્રીત   ખુદ   રબ   હોય   માનવમાં    માનવ   પ્રગટાવી   દે ,
મોકલજે  કોઈ રીત સજ્દાની,બંદગીની બે-અસર નહીં લખું ,

હોય    સદાય   લાગણી    પ્રેમ,  પ્રતીક્ષા   ને   વ્યાકુળતાની ,
મોકલજે   ઉલાળતાં  નયન,  લાડ  અજરાઅમર  નહીં  લખું ,

'ચાતક'  તરસ્યા  નયનનાં  અષાઢી  નીર  પ્રણયમાં  ઢળ્યાં
હિલ્લોળે   ચડી   ઊર્મિ   ઋણાનુંબધની,  અસર    નહીં   લખું ,,
મુકુલ દવે "ચાતક"

26 July 2015

દિવાનગી ને નફરતના જામ ઘૂંટી આંખમાં પીવાય છે ,મુકુલ દવે "ચાતક"


દિવાનગી  ને  નફરતના જામ ઘૂંટી આંખમાં પીવાય છે ,
ભીતર  તપીને  જગાવી  પ્રેમજ્યોત ,આંખમાં દેખાય છે ,

હોઠથી  હોઠ,  નયનથી  નયન ને  શ્વાસના  સહવાસમાં ,
તરસતો   ઇશ્કી   ઉન્માદ,   મૌન   આંખમાં   તપાય  છે ,

ધૂંઆધાર   ધોધના  સ્નેહ   કિનારે   ભલે  ખડક  ખડક્યા ,
ચાહતની   પરાકાષ્ઠાના  સમંદર , આંખમાં  ટકરાય  છે ,

સદા   દિવાનગી   ને   નફરતના  મૃગજળની  સંવેદના ,
ભેદ    હૈયામાં   સંઘર્યા,   પ્રીત   આંખમાં   પડઘાય   છે ,

ઊમટી   રહ્યાં  છે   વાદ્ળો   આભમાં   ઢળતી   સાંજના ,
પૂર ઓંસરતાં નથી લાગણીનાં , આંખમાં  હિજરાય   છે ,

હસ્તરેખા તારી 'ચાતક' આભના ફલક પર અંકિત  હશે ,
અટપટા હાથનું  નિ:શબ્દ મિલન,  આંખમાં મલકાય છે
મુકુલ દવે "ચાતક"

21 July 2015

આવી વરસો વરસાદની જેમ,પૂછે છે મને તલસતાં કેમ નથી ?મુકુલ દવે "ચાતક"


આવી  વરસે   વરસાદની  જેમ,પૂછે છે મને  તલસતાં  કેમ નથી ?
ભીંજવતા નથી ભીંજાય છે ખુદ ,પૂછે છે મને પલળતા  કેમ નથી ?

શોધતો   ફરું   સવાર   સાંજ   જાણીતા   ચહેરામાં    તારો   ચહેરો ,
રંગબેરંગી   છૂપા  વેશે  મળે , પૂછે  છે  મને  ઓળખતા કેમ નથી ?

આઠ      પ્રહર      અતૃપ્ત      એષણાના      દરિયામાં   ફંગોળાવું ,
ડૂબતાને    તણખલું   બતાવી  ,પૂછે   છે મને પકડતા  કેમ  નથી ?

ઝુલ્ફો    લહેરાવી    સમેટી   લે    એક    ઝાટકે   માયાના  તાંતણે ,
લહેરાતી  ઝુલ્ફોનાં  જાળા  ગૂંથે , પૂછે  છે મને  ઝીલતા  કેમ નથી ?

એકમેકનાં    હૈયાં    ઝાલ્યાં    રહ્યાં   સ્વપ્નાં     થીજ્યાં    આંખોમાં ,  
પકડદાવના  મોહ  કેવા  ચાતક, પૂછે  છે  મને તરસતા  કેમ નથી ?

મુકુલ દવે "ચાતક"

18 July 2015

ખન ખન કરતા કંગનના અવાજ સમીને વિખરાઈ ગયા ,મુકુલ દવે "ચાતક"


ખન  ખન  કરતા   કંગનના   સાદ   શમીને   વિખરાઈ   ગયા ,
સમયના    પડઘાય   ડૂબીને    આઠ પ્રહર    પથરાઈ     ગયા

કોઈ     ઊભું    હોય   કિનારે    તરસ    છીપાવવા     જન્મોની
એવા    તરસ્યા   જળ   અવિરત   ખારા   થઇ    સૂકાઈ   ગયા ,

ચમકતા   લલાટ   પર    બિન્દુ   સમો   ચાંદલો    ઝગમગતો ,
પૂનમના   અજવાળાં  આભ  મહી  ઊડ્યાં  ને  પીંખાઇ    ગયા ,    

જન્મોનો    ઉકેલ    શોધવા    હોય    નહીં   મેળાનું    સરનામું ,
માનવજાત  ટોળે  વળી   ને   ખાબોચિયે  પગ  ધોવાઇ   ગયા ,

તારી    ખોજની  ઝંખનામાં   ઉગારશે  ઉજ્જવળ  ઉરની  દુઆ ,
"ચાતક" તમે     ખુદા    હતા,    ખુદામય   થઇ   પૂજાઈ   ગયા ,

(ચાતક =ઈશ્વરનું પક્ષી ),
મુકુલ દવે "ચાતક"

15 July 2015

તમે છો એક આયનાના પ્રતિબિંબ સ્મિત સમા,મુકુલ દવે "ચાતક"


તમે    છો    એક  આયનાના    પ્રતિબિત    સ્મિત    સમા,
કદી    સચવાય    નહીં    એવા    વાદળની  પ્રીત    સમા ,

ખોવાણા  ભવના  પગલામાં,  પાછા  વળ્યા   ને   ચાલ્યા ,
કદી   પામી   ના  શકયા  એવા  પતંગિયાની  જીત  સમા,

તમને   પામવા   હાંફતા   સમયના  રથ   સાથે  ટકરાયા ,
હાથ   કદી   ના   આવો  એવા   ઝરણાંના  સંગીત   સમા,

સાત    જન્મોના    હિસાબના   મારણમાં   અમે    તરસ્યા ,
એકલતાના  વરસાદમાં  મૃગજળ    પીધાની  રીત  સમા,

વાયરાના તોફાનમાં કેવી રીતે ભીંજાયા બે ચાર બિન્દુથી ,
આમ તરસ ને રણ છતાં "ચાતક" છો વરસતા ગીત સમા,

મુકુલ દવે "ચાતક"

13 July 2015

મારો હાથ ઝાલીને રાહ ચીંધ્યો ,દિશાઓ બદલાઈ ગઈ ,મુકુલ દવે "ચાતક"


મારો   હાથ   ઝાલીને  રાહ  ચીંધ્યો ,  દિશાઓ   બદલાઈ    ગઈ ,
ભીતર  રાખ્યો  દીવો  સળગતો અંધારાની નજર વિખરાઈ ગઈ ,

સુગંધ   ફેલાવ    મારા  ઘરમાં  અચાનક   ધૂપસળી   સળગાવી ,
સ્વયંને  સુગંધીત કરતા ધૂપ-દીપની પ્રજવળતા જીરવાઈ  ગઈ ,

દુનિયાના     ભેદભરમ    છોડી,   ઘરના   દ્વારની   સાંકળ  ખોલી ,
એમના     ખુદ       આયનામાં      મારી    દુ આ    વર્તાઈ    ગઈ ,

માછલી   રડી   હશે,   નહીં તો   વમળમાં   પરપોટા   ના  દેખાય ,
આંખનાં આંસુ વંચાયાં નહીં, સમજણ વગર જિંદગી વંચાઈ  ગઈ ,

વરસીને    ગયો    'આવું    છું'   કહીને    'ચાતક'  ત્યાં  ને  ત્યાં  છે ,
સ્મરણની    ભીનાશમાં    નજરો    આભ    સુધી    ઢોળાઈ    ગઈ

મુકુલ દવે "ચાતક"

6 July 2015

વિદાય વેળા કફનના ચીંથરા ના બાંધીશ ચહેરો સજાવી જોજે ,મુકુલ દવે "ચાતક"


વિદાય વેળા કફનનાં ચીંથરાં ના બાંધીશ ચહેરો  સજાવી  જોજે ,
જિંદગીની  કિતાબ  ખુલ્લી  છે, એક  બે પાનાં  ઊથલાવી   જોજે ,

 ચિર   શાશ્વત     શાંતિની   નિઃશબ્દ્તાની   શૂન્ય   સ્તબ્ધતામાં ,
નસેનસ  પાંગરે  સ્મરણના પડઘા    બેચાર  ફૂલ  ચઢાવી  જોજે ,

વલખાઉં   છું   શૂન્ય    ભાસતા   તારા   પ્રતિબિંબની  ઝંખનામાં ,
હુંશાતુંસીના    ટોળાથી  દૂર  રહી  ચહેરો   ચૂમી   દીપાવી   જોજે ,

મારા    શ્વાસોમાં   સદાય   શ્વસતી   તારી   ખુશ્બૂ  માણી  તો  જો ,
ગુલાબ   જેવા   કોમળ   હાથથી   જખ્મો  સ્પર્શી  સહેલાવી જોજે ,

મારા  નશ્વર  દેહમાં  તારી પ્રતીક્ષાની  ધડકન  સાંભળી  તો  જો,
ઊમટેલા    આંખોના      પ્રીતસમુંદરમાં   ખુદને   ડૂબાવી   જોજે

અંદરની   એષણાઓ   સતત   સાત   જન્મથી   ભડકે   બળે   છે ,
અવઢવ જિંદગીમાં  હાથતાળી  ભલે આપી  પ્રીત  મિટાવી જોજે ,

મારી   દીવાનગીના  દીવાનો  પ્રકાશ   વ્યાપ્ત   હશે   દૂર    દૂર,
જન્મફેરામાં  વિશ્વાસ    હોય    "ચાતક"   પ્રીતને  જન્માવી જોજે ,

મુકુલ દવે "ચાતક"

1 July 2015


દીવાસળીના ઘર્ષણથી   જે  તે  ને    પ્રગટાવીએ  આપણે ,
સળગવાની    જન્મજાત   પ્રકૃતિને   બુઝાવીએ    આપણે ,

તરસના  આભાસોના મૃગજળમાં લીલાશ દેખાઈ રહી  છે ,
અજવાસની ભીનાશને  જડી આંખોમાં  સજાવીએ આપણે ,

તગતગતા   છૂંદણા   તાઉમ્ર   નિરંતર  વદનમાં  ત્રોફાયાં
લીલીછમ લાગણીને વદનમાં સાત જન્મ વાવીએ આપણે ,

આંખના   ટહુકાના   વળગણ   ડોલતી   પાંપણમાંથી  ફૂટે ,
આંખના    પોપચાંમાં    શમણાને      દીપાવીએ    આપણે  ,

ચાતકે   તરફડતી   આંખે   જોયું   તોડી   મર્યાદા  વરસાદે ,
ઝીલી  અનંત  બિન્દુ  આભથી  આંખ   મિલાવીએ આપણે ,

મુકુલ દવે "ચાતક"