28 June 2016

ઘનઘોર વાદળ વરસતા સંમુગ્ધ થઇ મારા મહીં વિખરવું તારું,મુકુલ દવે 'ચાતક'


ઘનઘોર વાદળ   વરસતાં  મુગ્ધ થઇ મારા મહીં  વિખરવું તારું,
કિરણો  પરોઢે  લઈ  આવી ઝાકળ પહેરી પછી  વિસ્તરવું  તારું ,

વ્યાપેલ  ઝંઝાવાતમાં  તું  મદભરી  રીતે  ખુલી  મર્મર  થઇ  ને  ,
કૂંપળ  ફૂટતા  ફૂલનું  સવારે  ખીલવું  ને  ઉલ્લાસે પાંગરવું તારું ,

તું  કેશ  સૂકવે  ડૂબતા  સૂર્યે, સજાવવા  ને સમીર સંગ સંધ્યા એ ,
સૂરજ  નું  ખરવું  ચાંદનીમાં, હોઠ પર તલના નશે છલકાવું તારું ,

તારા જ  પગરવ ની મહેક દરવાજે ભેખડ જેમ તૂટી ને પડી ત્યાં ,
ને કોઈ પરવશ કે ઈચ્છાવશ ઊછળી ને આંગણે ઓળખાવું તારું ,

ને  સાવ ખાલી હાથ લઇ  ભીનાં લસરતા શ્વાસ ને તૃષ્ણા ભરી  દે ,
ત્યાં શ્વાસ ની ઊંડાઈ એ 'ચાતક' મસીહા પામતાં  ઓગળવું  તારું

મુકુલ દવે 'ચાતક'

24 June 2016

છેલ્લે તપાસ આંખોમાં કરતાં તરસ્યા હરણાંઓ નીકળે,મુકુલ દવે 'ચાતક'


છેલ્લે  તપાસ  આંખોમાં કરતાં તરસ્યા હરણાંઓ   નીકળે,
કીકી   હું  ગોળ  ગોળ   ફેરવું  રણના  તિખારાઓ   નીકળે,

સ્તબ્ધ  થઇને  જોયું  ઉપર  તો  ઈમારતના  ઢગલા  હતાં ,
ભીતર ખિસ્સાઓ ના  સિક્કા ફંફોળતાં  ખરખરાઓ નીકળે,

જ્યારે  ચડી  બેસે છે મારા પર ઝનૂન વેતાળની  જેમ ત્યાં ,
જેવું  કબ્રસ્તાન ખોદું  ,મડદાંની જગ્યા ચાડિયાઓ નીકળે,

નાડાછડી  ને  નાળિયેરે  બાંધી, પછાડ્યું  શ્રધ્ધા  થી   ઈંટેં ,
ત્યાં  ભૂમિ  ખોદાતાં અંદરથી ઈશ્વર ના ઊછાળાઓ નીકળે ,

જો  છાંટ  વાગે ત્યાં ઝુરાપા ના અક્કરમીના કાણાં  પડિયા ,
એકાદ   'ચાતક'  વાદળાં  ઘેરાય  છતાં  તડકાઓ   નીકળે

મુકુલ દવે 'ચાતક'

20 June 2016

શ્વાસ થોભો, તેલ દીવામાં નથી ખૂટ્યું એ તાપણ ને શું કહું,મુકુલ દવે 'ચાતક'


શ્વાસ  થોભો, તેલ દીવામાં નથી ખૂટ્યું એ તાપણ ને શું કહું,
વાટ  ધીમી  બળે  છે  આમ જીવતર તેજ તારણ  ને શું કહું ,

એ મિલન ઉત્સવે થઇ ભેગી નદીઓ,ને બન્યો દરિયો અહીં ,
ને  મિલનમાં  ઘૂઘવે છે  મોજ, એ કાંઠાના કામણ  ને શું કહું ,

લાગણીના   તરજુમાંને  ત્રાજવામાં  તેં   કરી  નાખ્યો  ભલે ,
આમ હૃદય ને નયન સુધી ઝબોળી એ જ પાંપણ  ને શું કહું ,

ઊંચકીશ  તું  કેટલા  પરદા, હવે  ભેદ  ભરમોના મંચ   પર ,
કોક દરમ્યાન ભીંતો તો ચણે આયનાના આવરણ ને શું કહું ,

દૂર  લગ  દેખાય  કોરા આભમાં પાણી નથી  'ચાતક' શું એ ,
છેક  કોરી  આંખમાં  એકાદ  ટીપું ભીનું મળે ક્ષણ  ને  શું કહું ,

મુકુલ દવે 'ચાતક'

17 June 2016

શબ્દો થયા જખ્મી ક્યાંક બે ચાર તું એ જોડ નહીં તો તોડ બે ,મુકુલ દવે 'ચાતક'


શબ્દો  થયા  જખ્મી  ક્યાંક  બે ચાર તું એ જોડ નહીં તો તોડ   બે ,
ને  લાગણી  ઘાયલ  થઇ  બે  ચાર તું  એ  જોડ  નહીં તો તોડ બે ,

મારી  હથેળીની  કથા  તો  ધગધગે  છે, તુ  જ ખોતર  નખ   વડે ,
ફૂટશે  અરીસો  ખુદનો  બે  ચાર  તું  એ  જોડ  નહીં  તો  તોડ  બે ,

ટોળેવળી   ને   મંદિરે  માણસ  દુવા  માંગે  ખુદા  પાસે   અનંત ,
આજીજી કરી ઇશ્વર ની મૂર્તિ બે ચાર તું એ જોડ નહીં તો તોડ  બે ,

માટીનું  તું  છે  પૂતળું  સંસાર  સકળમાં ,ને ભલા બે રૂપ છે જ્યાં ,
ભીતરના કિરદાર ને ક્યાંક  બે ચાર તું  એ જોડ નહીં તો તોડ બે ,

'ચાતક' તરસ તો નામની જ્યાં બંધ હોય છે બારણાં  અનરાધારે,
ને  આભની  તરસી  તરડ  બે ચાર  તું  એ જોડ નહીં તો તોડ  બે ,

મુકુલ દવે 'ચાતક'

11 June 2016

સઘડ પળના મળે તારા કપાળે ચાંદ ઝળહળ લગાવું ,મુકુલ દવે 'ચાતક'


સગડ પળના મળે તારા કપાળે ચાંદ ઝળહળ લગાવું ,
સમય રોપી ખુલ્લી પાંપણ મહીં પૂનમની હેલી વધાવું ,

કદીક  હું  આંખમાં  સરકાવું  સ્મરણની ઉદાસી લળીને ,
પૂનમની   ચાંદની   વરસે ,  ચહેરાના   ટહુકા   જગાવું ,

અનંત  હોવાપણાના  ઊજવાયેલા   અસ્તિત્વ  ઉત્સવે
ઘરે આવ્યા તમે ને ભાસ્યું સઘળે વંસત,સપના સજાવું ,

કૂંપળ થઇ ફૂટ્યા સર્જનમાં ને ખરવાનું તમારે સંભારણે ,
હતું  વ્યક્તિત્વ  ફૂલની  સુગંધ  જેવું,  સમણાં ને મનાવું ,

કયાંક  ભીનાશ  છે  વાતાવરણમાં,સાવ  છે આભ  કોરું ,
તરસ તોયે છિપાવે ના ,કઈ રીતે તરસ્યાને ઓળખાવું

મુકુલ દવે 'ચાતક'

6 June 2016

ઇશ્વર ની લિપિ નથી વાંચી શક્યા મુકદર રહયા,મુકુલ દવે 'ચાતક'


ઇશ્વર ની લિપિ નથી વાંચી શક્યા મુકદર રહયા,
અક્ષર    તેથી    હથેળીમાં  ફૂટી    ઇશ્વર   રહયા,

અભણ આંખો સમક્ષ કાગળ સઘળા ડૂચા રહયા,
સતત  કાળા  અક્ષર છાતી  ઉપર  ખંજર  રહયા,

ચણું   છું   રાતમાં    સપનાં ,   સવારમાં   ખંડરો ,
દિવસમાં બારખડીના સૌ  અક્ષર અજગર રહયા,

સર્વ    ઘરના  ઠરેલ    ચૂલા   ફરી  પેટાવવા   છે ,
એ  માણસ  શ્હેર સળગાવી  હજી  મગરૂર  રહયા,

અંગૂઠો    કાપ્યો   એકલવ્યે     શતરંજ   ચાલમાં ,
મતું  મારવા અંગૂઠો  ને  અભણ  મજબૂર  રહયા,

મુકુલ દવે 'ચાતક'