29 July 2016

જિંદગી રથનાં બનો સારથિ,અર્જુન હું બની જાઉં છું,મુકુલ દવે 'ચાતક'


જિંદગી   રથનાં   બનો  સારથિ, અર્જુન  હું બની જાઉં  છું
ફળ   રૂપે   માળાજ   આપી,  હું   પરોવું  ને તું  સંતાઉં  છું ,

આંખમાં   કાજલની   માફક  આંજ્યાંતા  એમને  જે  પળે ,
ત્યાં દિવ્ય અણમોલ કામણથી ,હું મીરાંમાં પ્રકટ થાઉં  છું ,

ને   હતા  ભજનો મર્મરના, ને  રિસાઈ ને ય   જાઓ  તમે ,
મૌન  ની  તારી   મહેર થી,   સુદામા   રંગ    રેલાઉં     છું ,

છેદ   સોંસરવા   પડે    છે   શ્વાસના ને  વીંધાઈ   જાય  છે ,
ફૂંક   થઈ   હું   વાંસળીમાં  જાઉં, પાછો  સૂર થઈ આવું છું ,

એક  પણ  બારી  ઉઘાડી એ  નથી રાખી તેં  મન પાર ની ,
હું  કળી  ના મન  શક્યો તારું, હું થઈ મોરપીંછું ડોકાઉં  છું ,

ફૂંક   જો   ના   હોત   તારી,  હવા  ના   હોત  અવકાશમાં ,
જળ   ભરેલી   વાદળી  આવે  ક્યાંથી  ત્યાં હું અટવાઉં છું

મુકુલ દવે 'ચાતક'

16 July 2016

વીતી પળોના એ સ્મરણમાં ,દાળ પરથી પાંદડું કરગર્યું હશે ,મુકુલ દવે 'ચાતક'


વીતી  પળોના  એ  સ્મરણમાં ,  ડાળ પરથી  પાંદડું કરગર્યું   હશે
ને  એટલે  તો  કોઈ  અણધાર્યું,  વસંતમાં  ખીલતું  ફૂલ  ખર્યું  હશે ,

ત્યાં  મૌન  પડઘાતું  રહે  તેથી અભાનતામાં જગાડી જ્વાળા હતી ,
એને  અગનમાં  દેહ  તપતો  રાખી  ને  પણ  હુંફ નું કામ કર્યું  હશે ,

એ સ્પર્શના કૈં ઝળઝળિયાં ન્હોતાં,વર્ષાના વાદળાં  ધોધમાર હતાં ,
સાનિધ્યના ઉન્માદમાં  છલકાઈ, જળમાં ગુલમહોર તો  તર્યું  હશે ,

ને  એ  પછી આ  જિંદગીમાં પ્યાસ, સાચી કોઈ  લઈ  આવ્યું   હશે ,
ત્યાં   એટલે   તો   મૃગજળ  તળે   પ્યાલું   છલોછલ    ધર્યું    હશે ,

જીવી  શકે  કેવી  રીતે  'ચાતક' તરસતાં વાદળાંના સ્મરણ  વગર ,
આંખે  વર્ષા  હેલી  છે  ને  કઇ  રીત થી  પાંપણેજ  મટકું  ભર્યું  હશે

મુકુલ દવે 'ચાતક'


9 July 2016

હું બહાર એ થી ભીતર સુધી સુવાસિત થઇ ઊઘડી શકું છું ,મુકુલ દવે 'ચાતક'


હું  બહાર  થી   ભીતર સુધી સુવાસિત  થઇ  ઊઘડી  શકું   છું ,
તું   મને  માણ  ખુશ્બૂ  ની   જેમ   હું   ક્યારેક  ઊડી    શકું   છું ,

હસ્તરેખા   થી    મુક્ત  થા ,   છોડ   રેખાના   જંતર     તથ્યો ,
હાથ  તારો  મુજમાં  તું  સ્થાપ , હું   ઝળહળ  ઊઘડી  શકું  છું ,

શ્વસતી  ઈમારત  હતી  સદ્ધર,  દરેક  ઈંટો   છે  આજ   જર્જર ,
શૂન્ય   થઈને   મુજમાં  વિસ્તર,  હું   ઊંડે   તો  ડૂબી  શકું   છું ,

મુજ આંખોના અશ્રુ જળ તટ ઉપર ઊભા પ્રતિબિંબ  તમે થઇ
છીછરા  જળમાં  તરી  તારાજ  પ્રતિબિંબ ને  પકડી  શકું   છું ,

વાદળો    સંબંધના   વિખરાઈ,  પામે   હણહણતી    તરસને ,
એ   પળે   વરસાદ ની   'ચાતક'    મહેક  શ્વસી  છોડી શકું  છું ,

મુકુલ દવે 'ચાતક'

6 July 2016

આંખનો પ્યાલો છલોછલ છલકાઈ ને જામ થઇ જાએ ,મુકુલ દવે 'ચાતક'


આંખનો પ્યાલો છલોછલ છલકાઈ ને જામ થઇ  જાએ ,
જે   મહિમા   જાણે   પીવાનો  એ   ગુલામ  થઇ   જાએ ,

આમ  પકડીને  તું  બેસી  તો રહેજે  દોસ્ત  આ  પાલવ ,
છાંયડા  જ્યાં  આવતા રહ્યાં , સતત મુકામ  થઇ  જાએ ,

સાત    ફેરાના   સફરમાં   તો   પડે   છે  ગાંઠ   બે   છેડે
છોડવા જ્યાં જાય ત્યાં મજબૂત થઇ અંજામ થઇ  જાએ ,

આંખ  ભીતર  સાત  જન્મોના  પડળ  તો  ઊંઘડે  ધીમે ,
એકદમ  ઉખાડતાં,  તરસ્યાં  ઘડા  બેફામ   થઇ   જાએ ,

કોણ   છે   એવું  સફરમાં   વિપત્તિઓ   ના  કોઈ   આવે ,
દુઃખ  ને  અવસર  કરી  જાણે  એનો સંગ્રામ થઇ  જાએ ,

ક્યાંય પગરવ સંભળાતા તો નથી 'ચાતક'તરસતા ત્યાં
મૃગજળની  છે  ગલી  કેવી, તરસ  સુમસામ થઇ  જાએ ,

મુકુલ દવે 'ચાતક'