25 September 2016

જે ગામની રાહે જવું નહીં એનું નામ પણ બોલવાની ક્યાં જરૂર છે ,મુકુલ દવે 'ચાતક'


જે  ગામની રાહે જવું નહીં એનું નામ પણ બોલવાની ક્યાં જરૂર  છે 
રોકાય  નહીં  અંધારું એ  દીવાઓ  ને  પ્રગટાવવાની  ક્યાં જરૂર છે ,

ને  કોણ  જાણે  કેમ  દર્શનમાં  તરસતી  એમની  આંખ  છે અધીરી ,
જે દીવાના તેજમાં નથી તેલ ત્યાં સૂરજ ઉગાડવાની  ક્યાં જરૂર છે ,

જે  આગ  ધગધગતી  હતી  એ  ઠારવા  તું  રાખ લઈને ઢાંકતો તો ,
ને  આજ  ઠરતી  આગ ને  ફૂંકી  ફરી સળગાવવાની  ક્યાં  જરૂર  છે ,

તું  ચાંદની  રાતે  સફરમાં  નીકળ્યો  તો  ને  સિતારાઓ  મળ્યાંતાં ,
એને  ઉતારી  ના  શક્યો  નીચે,  અહમને વાવવાની  ક્યાં  જરૂર છે ,

ને  એક  તસુ ની   ઇચ્છામાં  આસમાને  વાદળો  બંધાય  તો  નહીં ,
બે  બુંદ  ચાહતમાં તારે  'ચાતક' દરિયામાં ડૂબવાની  ક્યાં જરૂર છે ,

મુકુલ દવે 'ચાતક'

21 September 2016

બસ એમ આપસમાં મળ્યાંતાં એક દિન સઘળે સુવાસ છે ,મુકુલ દવે 'ચાતક'


બસ એમ આપસમાં મળ્યાંતાં એક દિન સઘળે સુવાસ છે ,
ભુલાય  નહીં  શું  વાંક  એમનો  શ્વાસ મારામાં નિવાસ  છે ,

હું   ભૂલું   ક્યાંથી   એક   પાનું   ફેરવું   ઉન્માદ  ખુલ્લે   છે ,
તું  ના  લખે,  ના  યાદ  કર,  જે  વાપરે શસ્ત્ર એ પ્યાસ  છે ,

જિંદગીના   ઘા   ખોતરું  ને  કોઈ  મનના  ભેદ  ના    મળે ,
ઉપચાર  અજમાવ્યો  નહીં  તેં હાથનો, ઘા નો વિલાસ  છે ,

પલળાય  એવો આંખમાં ઝરમર ભર્યો શ્રાવણ હજી  નથી ,
પલળાય  એવી  લાગણી  સંબંધમાં  નથી  ને અમાસ  છે ,

કંઠે   ટહુકા  છોડ  સામે   મૃગજળના   છે   સતત   દરિયા ,
તરસ્યાં રહેવાનું  છોડ  'ચાતક'  બુંદનો  તારો  પ્રવાસ છે

મુકુલ દવે 'ચાતક'

18 September 2016

દર્દ ને સંકોરવા દઉં,ઘા ખંજરનો લંબાય છે ,મુકુલ દવે 'ચાતક'


દર્દ ને  સંકોરવા  દઉં,  ઘા   ખંજરનો   લંબાય  છે
મૃત  ઈચ્છાના દર્દ  દફનાવતા ભાર બદલાય  છે ,

વાંચ  ભીતરનો જ  કોઈ કાળ  ખાઈ  સતત  ગયો ,
લાગણી  કોરી   હૃદયના  પાને  પાને  વંચાય   છે ,

જ્યાં તરસ અટકી,દરિયાના એ કિનારે ઊભાં રહ્યાં,
દૂર  એમણે  આવતાં  ઘૂઘવતાં મોજાં વરતાય  છે ,  

આંખ  લૂછી  આંસુ  હૃદયએ  વહાવ્યા શબ્દો  થયા ,
એટલે   એના   જ   હાસ્યમાં  ઈશ્વરી   પરખાય  છે ,

લો   નક્કી   પથ્થરને   તો   ઈશ્વર  બનવાનું   હશે ,
તું   ગમે   આકાર   આપ ગૂના ની પૂજા દેખાય  છે ,

મુકુલ દવે 'ચાતક'

13 September 2016

સાવ છૂટી એ તરસ સામે તરસ ને ધરી ,મુકુલ દવે 'ચાતક'

સાવ   છૂટી   એ   તરસ   સામે  તરસ ને ધરી ,
પિંડના  માટી   ઘડામાં   પણ મમત  ને  ભરી ,

કાચના  વાસણ   ઉપર   ખીલી  ને  ઠોકી જરી ,
મન   ઉલેચી    વાતને    મેં   કાંનમાં   સંઘરી ,

બહાર બળતી આગ ભડભડતી  અમે  નોતરી ,
એજ     ભીતરના   ધુમાડાંની   છે    કારીગરી ,

આપણાં  હોવાપણામાં   વણગણો  તો   મળી ,
પ્રીતના   સંવાદ   કરતાં   સ્પર્શ    એ   છેતરી ,

છે  રમત  વરસાદની  વાદળ  હજી  ના ગયાં ,
ને લડત 'ચાતક' છે જળ ની ચાલ લાંબી કરી ,

મુકુલ દવે 'ચાતક'

6 September 2016

ફરી કોઈ ઝાંઝવાની લાગણીના તું ઝંઝાવાત ના મોકલ ,મુકુલ દવે 'ચાતક'


ફરી  કોઈ  ઝાંઝવાની  લાગણીના  તું  ઝંઝાવાત  ના   મોકલ ,
તું રીઝવવા મને પલભર જ,ધગધગતા અશ્રુપાત ના  મોકલ 

પ્રબળ   પકડેલ   તારો   હાથ   મળ્યો   અમસ્તો   છૂટે    થોડો ,
મને   તું   વરસવા  દે  મૃગજળના  એ  વલોપાત  ના  મોકલ ,

કયારેક  ભૂલ  તો  થઇ   જાય, ક્યાં  કરવા વત્તા  બાદબાકી ને ,
હૃદય  ની  લાગણી   તોલવાના,   તું   સવાલાત   ના   મોકલ ,

કમાડ  તું   બંધ  ના  કર  હૈયું  વ્યાકુળ  ખોલવાનું ય બાકી  છે ,
ઉલેચી  દે  દરિયા  ભવના ,  મને પ્રગટાવ તું,રાત ના  મોકલ ,

તું  'ચાતક' મૃગજળ ની પ્યાસ છીપાવા મુશળધાર થઇ જા ને 
સરળ  થઇ  આવ તું  વરસાદ,વાદળની વકાલાત ના  મોકલ 
મુકુલ દવે 'ચાતક'