પંચામૃત

                         

તમારા  સમ  મને  છે  એટલી  શ્રદ્ધા  તમારા  પર
તમે જો શાપ પણ દેશો તો એ વરદાન થઈ જાશે ---------કૈલાસ પંડ્યા

આ કેમ આજે આટલો અજવાસ છે  બધે
ઘર પર કોઈ ગરીબના વીજળી પડી કે શું ----------અદી મિર્ઝા

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા  ---------અમૃત ઘાયલ

આખું જીવન સાવધાનીથી ભલે પગલાં ભરો
એક  પળ  ચૂકી જવામાં આયખાં  છાપે  ચડે  --------અશરફ ડબાવાળા

આયનામાં કાલ  જે જીવતો હતો
એ જ માણસ આખરે ફોટો થયો ---------અશોકપુરી ગોસ્વામી

એ  સમયની વાત  છે  કે  ના  થયાં મારાં તમે
નહિં તો દુનિયામાં ઘણું ય ના થવાનું થાય છે --------અસદ સૈયદ

સમયના હાથમાં મેંદી અમે એમ જ નથી મૂકી
ક્ષણોને  પીસવામાં  કેટલી   તકલીફ  વેઠી  છે ? ----------અહમદ મકરાણી

કરતા રહે  છે  પીઠની પાછળ સદા પ્રહાર
એ બીજું કોણ હોઈ શકે છે સ્વજન વિના ---------આદિલ મન્સૂરી

ડૂબી   ડૂબીને   ડૂબવાનું   શું   માણસમાં
એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે ---------અશરફ ડબાવાળાPost a comment

0 Comments